થોડાક મહિના પહેલાં quora માં એક પ્રશ્ન મળ્યો હતો. શું માનવતા હજું જીવંત છે? ત્યારે પણ જવાબ એજ હતો ને આજે પણ જવાબ એજ છે. પૃથ્વી પર જ્યાં સુધી માનવ છે ત્યાં સુધી માનવતા મરી ના શકે. કારણ સ્પષ્ટ છે. જે વાર્તા માં બધાનું ભલું થાય છે, જે વાર્તા થી કોઈ નું ચોખ્ખું નુકશાન નથી,જે વાર્તા સાંભળવા થી કોઈ દુઃખી નથી થવાનું, એ વાર્તા સાંભળવાનું લોકો કેવી રીતે બંધ કરી શકે? હકીકતમાં તો લોકો એ વાર્તાનું એક પાત્ર બનવા માંગતા હોય છે, એ વાર્તા જીવવા માંગતા હોય છે. માનવતા આવી જ એક વાર્તા છે. આથી જ, માનવતા ની વાર્તા ને કોઈ મારી નહીં શકે.
તમને રોજ માનવતા ના કિસ્સા જોવા ન મળે, એવું બની શકે. છતાં એ દુનિયા ના કોઈ ખૂણે પ્રવર્તી હોય છે. માનવતા ના કિસ્સા પણ ભગવાન જેવા જ હોય છે. કેટલીકવાર તમને વિશ્વાસ ન થાય પણ એ કિસ્સો સાંભળવો તમને ગમશે. અથવા માનવતા એ ભગવાનની વાર્તા છે. જેમાં ચમત્કાર હોય એમાં આપણે માનીએ નહીં પણ ઇચ્છા હોય કે એવું કંઈક આપણી સાથે બને.એવું કંઈક આપણે કરીએ.લોકો પોતાનાં થી ઉપર ઉઠીને બીજાની મદદ કરે એ ચમત્કાર જ છે! આમ, માનવતા એ ઈશ્વર બનવાની ઘટના છે. માનવતા એ ઈશ્વરને જોવાની તક છે.
પરીક્ષા બધાની કટોકટીના સમયે થતી હોય છે. સાવ વણસી ગયેલી પરિસ્થિતિ માં આપણું સાચું વ્યક્તિત્વ ઉભરતું હોય છે. એમ માનવતા કપરા સમયમાં વધું જીવંત થાય છે.પરિવાર માં ક્યારેક ઝગડો ય થતો હોય પણ મુશ્કેલી ના સમયે તો પરિવાર એક થઈ ને લડે છે.'વસુધૈવ કુટુમ્બકમ' વિશ્વ એક પરિવાર છે.હાલ, કોરોના રૂપી મહામારી આ કુટુંબ પર આવી પડી છે. તો માનવતા રૂપી આપણા હાથ જેટલા લાંબા થાય એટલા લાંબા કરીએ. ઘણાં બધાં લોકો પોતાનાથી બનતી મદદ એકબીજાને કરી રહ્યાં છે. ડોકટર કોરોના દર્દીઓને સાજા કરવા પ્રયત્નશીલ છે. કેટલાક લોકો કોરોના દર્દી અને તેના કુટુંબીજનોને મફત ટિફિન સેવા , દવાઓ વગેરે પૂરું પાડી રહ્યાં છે. કેટલાક સાચી માહિતી પૂરી પાડીને ને મદદ કરી રહ્યાં છે. ઘણા બધા લોકો ઘરે રહીને પોતાને તથા સમગ્ર દેશને વાઇરસ ના ફેલાવા થી બચાવી રહ્યા છે.સગાં-સંબંધીઓ ,મિત્રો પોતાનાં અંગત ને માનસિક રીતે કોરોના થી લડવા માટે હિમ્મત આપી રહ્યાં છે.આ બધામાં ઈશ્વર ના દર્શન થતાં હોય એવું લાગે છે. જો અર્જુન અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ને વિશ્વરૂપ નું દર્શન કરાવાનું કે તો દર્શનમાં આજ બધું દેખાય.
માનવતા રૂપે લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. જ્યાં કેટલાક તકવાદી ઓ આ સ્થિતિ ને એક તક માને છે. વધું ને વધું આનો ફાયદો ઉઠાવવા માંગે છે. આ બધું જોઈએ એટલે ક્યારેક ગુસ્સો આવે છે. ઘણાબધાં પ્રશ્નો થતા હોય છે. ત્યારે જૂનો એક કિસ્સો વાંચવાં મળ્યો જેમાં બધા જવાબો મળી ગયા. તે કિસ્સાને એજ સ્વરૂપમાં અહીં ફોટા સ્વરૂપે મુક્યો છે.
આ નાનકડો કિસ્સો ઘણુંબધું કહીં જાય છે. કેટલુંય સમજાવી જાય છે. પેલું કેવાય છે ને કે ' બંધ મુઠ્ઠી કરીને આવ્યાં હતાં ને ખુલી મુઠ્ઠી રાખી ને ચાલ્યાં જવાનાં'.જો અંતે સાથે કશું જ ન આવાનું હોય તો બધું ભેગું કરવાનો શું મતલબ? આવી રીતે અંતે પસ્તાવા સિવાય કશું નથી મળવાનું. તમે આવો જ એક કિસ્સો બનવાનાં છો જે બીજાને માનવતાના રસ્તે વળગી રહેવા માટે પ્રેરકબળ સાબિત થશે. આવી તકોનો ફાયદો ઉઠાવી આપણે બીજાની સાથે નહીં પણ પોતાની સાથે ધોકો કરી રહ્યાં છીએ. માનવતા જ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે એ સ્વીકારવું જ રહ્યું.
માનવતા આપણને શું આપશે? જે લોકો સેવાનું કામ કરી રહ્યાં છે એ શા માટે? આવા પ્રશ્નોય થાય ઘણીવાર. જવાબ ઘણો સરળ છે.સંતોષ. સંતોષ હંમેશાં આપવાથી મળે.પોતાનું માગ્યું મળે એનાથી તો ખાલી મન માં અહમ ના પગલા પડવાના. કોઈને કોઈ આપવામાં ,મદદ કરવામાં સંતોષ મળશે. આ જ ખુશી આપશે. આ જ સારી ઊંઘ આપશે.અંતે તો એજ દરેક મનુષ્ય નું છેલ્લું લક્ષ્ય છે.
આથી જ , જેટલી થાય એટલી એકબીજાની મદદ કરીએ. કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવીએ. માનવતા ની વાર્તા ને વધું મજબૂત કરીએ.સમાપનમાં 'મરીઝ' નો એક શેર,
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
